પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાને ૨૪ ગોળીઓ મારવામાં આવી હતી
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાને ૨૪ ગોળીઓ મારવામાં આવી હતી
ચંડીગઢ, તા.૩૧ઃ પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે. સોમવારે રાત્રે પાંચ ડોક્ટરોની પેનલે મુસેવાલાના મૃતદેહનું પીઍમ કર્યું હતું. જો કે હજુ સુધી પોલીસ સાથે રિપોર્ટ શેર કરવામાં આવ્યો નથી. પરંતુ સૂત્રોઍ જણાવ્યું હતું કે અત્યાધુનિક બંદૂકોમાંથી છોડવામાં આવેલી ૨૪ ગોળીઓ મુસેવાલાના શરીરમાંથી નીકળી હતી, જ્યારે ઍક માથાના હાડકામાં ફસાઈ ગઈ હતી. હુમલાખોરોઍ લગભગ ૩૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
મનસા જિલ્લા હોસ્પિટલના સૂત્રોઍ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ દરમિયાન મુસેવાલાના શરીર પર બે ડઝન ગોળીઓના ઘા મળી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું છે. આંતરિક અવયવોમાં ઇજાઓ પણ પુષ્ટિ મળી છે.ઍવું કહેવામાં આવ્યું હતું કે પોસ્ટમોર્ટમ પછી, વિસેરાના નમૂનાઓ સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે મોકલવામાં આવી રહ્ના છે. જોકે, હોસ્પિટલે પોસ્ટમોર્ટમના પરિણામો પોલીસ સાથે શેર કર્યા નથી.મૃતક સિદ્ધુ મુસેવાલાનો પરિવાર પોસ્ટમોર્ટમ ન કરાવવા પર અડગ હતો. પરિવારની માંગ હતી કે હત્યાની તપાસ હાઈકોર્ટના જજના નેતૃત્વમાં થવી જોઈઍ અને આ માટે NIA-CBIની મદદ લેવામાં આવે.
પરિવારના સભ્યોઍ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે જોખમની આશંકા હતી ત્યારે સુરક્ષા હટાવવાની યાદી કેમ જાહેર કરવામાં આવી? આ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી થવી જોઈઍ. જોકે બાદમાં સમજાવટ અને ખાતરી બાદ પરિવારજનો મૃતકના પોસ્ટમોર્ટમ માટે સંમત થયા હતા.
જણાવી દઈઍ કે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને મુસેવાલાની હત્યાની તપાસ માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના સીટિંગ જજની દેખરેખ હેઠળ ન્યાયિક પંચની રચના કરવાની જાહેરાત કરી છે.